History
ઓશવાલ જ્ઞાતીનો ઈતિહાસ
આપણો ઓશવાલ કુળ અત્યંત પ્રાચીન હોવા ઉપરાંત તે ક્ષત્રિયવંશી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની છટ્ટી પાટે થયેલા આચાર્ય શ્રી રત્નપ્રભુસુરીશ્વરજી એ મારવાડની ઓશિયા નગરીમાં ચાલીસ હજાર કુટુંબોની વીધીવત સ્થાપના કરી હતી. આ નગરીના ઓશિયા માતાના અતિ પ્રાચીન મંદિરમાં આ હકીકત ના પુરાવા પણ ઉપલબ્ધ છે. આ રીતે હાલનું રાજસ્થાન એ આપણું ઉગમસ્થાન છે.
ત્યારબાદ વારંવાર નાના મોટા દુષ્કાળો તથા વિધર્મી વિદેશીઓ ના આક્રમણ ને કારણો અસ્થિર પરિસ્સ્થીતિ થઈ તેથી મોટા સ્થળાંતર થયા અને એમાં આપણો પણ સમાવેશ થયો, અને આપણે ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર માં આવી વસ્યા.
શ્રી રાવળજી એ જામનગર શહેર લગભગ પંદરમી શતકમાં વસાવ્યું . કાળક્રમે તેમની ચોથી પેઢીએ શ્રી લખતરસિંઘ ( લાખા જામ ) ગાદીએ આવ્યા. તેમના લગ્ન કચ્છના ઠાકોરજીની પુત્રી સાથે થયા - લગ્નવિધિ બાદ ઠાકોરે તેમની પુત્રીને દાયજો માંગવાનું કહ્યું ત્યારે જામસાહેબની સલાહથી આ ચતૂર રજપૂતાણીએ કહ્યું કે આ શાહુકારો તેમના પરિવાર સાથે મારા જામનગર આવીને વસે અને ઠાકોરે તે મંજૂર કરતા શ્રી રાયશીભાઈ તથા શ્રી વર્ધમાનભાઈ ની આગેવાનીમાં વોરા, દોશી, લાલન, પારેખ, સંઘવી, શાહ, ઝવેરી વેગેરે પરિવારોના દસેક હજાર ઓશવાલો કચ્છ છોડી જામનગર આવીને વસ્યા. ખંબાળીયા નાકાથી ચાંદીબજાર સુધીમાં ઓશવાલોના ઘરો હતા.
જામનગરના ઓશવાલોના વસવાટ થી વ્યાપાર વધવા લાગ્યો, અને તેને લીધે નગરીની રિદ્ધિ સિદ્ધિ વધી. આ સમયે જામસાહેબે શ્રી રાયશીશેઠને નગરશેઠ ની પદવી આપી અને ઓશવાલોની શાન વધારી. ઓશવાલોનું ગૌરવ તથા વર્ચસ્વ જામબાપુના દરબારમાં વધવા લાગી અને તે વખતના લોહાણા કારભારીઓને ઈર્ષા થઈ. જામબાપુ ને પૈસાની જરૂર પડે તો રાયશીશેઠ આગળથી મંગાવતા. તે વખતે ચિઠ્ઠીમાં ચાલાકીથી રક્કમ વધારીને ઉપરના પૈસા ખાઈ જતા, આમ મલીન ઈરાદાથી પૈસા મંગાવાજ લાગ્યા, ત્યારે ઓશવાલોએ ગામ છોડવાનું નક્કી કર્યું, ને જ્યાં તેઓ નીકળ્યા તેવી જામબાપુને ખબર પડતા, મારતે ઘોડે આવ્યા અને સઘળી વિગતો જાણી લોહાણા કારભારી ના કારસ્તાન ની હકીકત જાણી ને જામસાહેબે કલ્યાણજીના મંદિર પાસે જ તેમના લોહાણા કારભારી હકૂમત ઠક્કર ને ખંજર જેવા હથિયારથી મારી નાખ્યા.
આજે પણ હકૂમત ઠક્કરનો પાળીઓ કલ્યાણજીના મંદિરમાં મોજૂદ છે. જ્યાં આગળ આ ઠક્કરને નવ લાખ કોરી આપી તે આજનું માંડવી ટાવર જે નવલખ્ખા ના નામથી પણ જાણીતુ છે.
જામનગર માં વસવાટ કરનારા આપણા પૂર્વજો એ શહેરની મધ્યમાં ભવ્ય જિનાલયનૂ નિર્માણ કર્યૂ. એમાંનું એક તે શ્રી શાન્તિનાથજીનું બાવન દહેરીવાળું જિનાલાય બાદ ચોરીવાળું દેરાસર તથા જામનું દેરાસર વગેરે બંધાવ્યા. આ આપણા ઓશવાલો એ ભદ્રેશ્વર તીર્થનો જીણોદ્ધાર પણ કરાવ્યો હતો.
આમ જામનગર ખાતેના આપણા પ્રતાપી પૂર્વજો એ નિર્માણ કરેલા ભવ્ય જિનાલયો તે સમયમાં પૂર્વજોની સાહસિકતા - સમૃદ્ધિ નો ભાસ આપે છે. આવા આપણા પૂર્વજોને યાદ કરતા હૅયું હરખાય છે અને એમને કોટી કોટી વંદના.